Solentine Gujarati version
પક્ષીઓ જોરથી કલશોર કરી તેમના અસ્તિત્વ ની હાજરી પુરાવતા હતા. તેમની નાની, રંગબેરંગી પાંખો ફફડાવતા આંબાવાડી ની અંદર ને બહાર મસ્તીથી ઉડતા હતા. મોટી, રસદાર, કેસર કેરીઓ ડાળીઓમાંથી લટકતી હતી. જાણે લીલા સમુદ્રમાં નારંગી જહાજ ! છતમાંથી ચણાઈને આવતો સૂર્યપ્રકાશ નિર્મળાની પાતળી ચામડી પર વિવિધ ભાત રચતો હતો.
'અરે દૂર દૂર!' તેણીએ તેની વ્હીલચેર પરથી પક્ષીઓને લાકડીથી દૂર કરવાનો પ્રયાસ કર્યો. 'આટલા ખુશ શેના થાવ છો, મૂર્ખ પક્ષીઓ ?'
જાણે પોતાનો ગુસ્સો થૂકતી હોય એમ એ જમીન પર થૂકી .અણગમાની જે લહેર એની લાંબા સમયથી સ્પર્શી રહી હતી એ હજુ પક્ષીઓને અડી હોય એવું લાગતું ન હતું.
તેની અણગમતી હાજરી છતાં નાનકડા લડવૈયાઓ હજી પણ આનંદી રહ્યા. તેમના આનંદથી તેણીનો અસંતોષ ઓગળ્યો ન હતો. તેઓને ડરાવવા તે આંબાના ઝાડ પર લાકડી મારતી રહી.
જીવનની નાની નાની ખુશીઓથી પોતાની જાતને દૂર રાખવાનો પ્રયત્ન કરતી હતી ત્યાં એક રસાળ પીળી કેરી એના ગંદા ગાઉન પર પડી. ફળને જોઈને એના મોઢામાં પાણી આવી ગયું. નિર્મલાની આંખો બે નાના હીરાની જેમ ચમકી. તેના ચહેરા પરનો ધુંધવાટ એક ક્ષણમાં સ્મિતમાં ફેરવાઈ ગયો. એણે પાછલા હાથમાં રહેલી લાકડીને દૂર મૂકી ફળના રાજા ને બાળ સહજ ઝંખના અને લાલચથી પકડ્યું.
હજી તો તે કેરીની છાલ કાઢીને ફળનો આનંદ લે તે પહેલાં, 'ના, ના, નિર્મલા અમ્મા, તમે તે ના ખાઈ શકો. તમારો ડાયાબિટીસ વધી જશે.'
" નિર્વાણ" વૃદ્ધાશ્રમમાં કાળજીથી સંભાળ રાખનાર અશ્વિનીએ હળવેથી તેની મજબૂત પકડમાંથી ફળ કાઢ્યું. પક્ષીઓ કલરવમાંથી પરવારી, સવારના નિષ્કલંક આકાશમાં ઉડ્યા. તેમની ઉડાન નિર્મલાને તોફાની અડપલાં જેવી લાગી.
'આહા, મારા વંશજોની તારણહાર આવી! તને શું લાગે છે? કોણ છે તું? મારી મમ્મી? મારી દીકરી? મારા પતિ? કે...'
'તમારી મિત્ર.'
અશ્વિનીએ વ્હીલચેરનું ઠંડુ હેન્ડલ પકડ્યું અને ઢોળાવ પરથી નીચે ઉતરતાં એક મકાન તરફ ગઈ, જેમાં નિર્મલા જેવા અન્ય આઠ વરિષ્ઠ નાગરિકો રહેતા હતા. તદ્દન નિર્મલા જેવા નહિ, પરંતુ તેમની વચ્ચે મોટાભાગની પરિસ્થિતિ સમાન હતી. વાળ ની સફેદીથી વ્યથા સુધી. દુખતા ઘૂંટણથી પીડાતા હૃદય સુધી. લાંબી, નિંદ્રા વગરની રાતોથી માંડીને સગા-સંબંધીઓની ટૂંકી મુલાકાતો સુધી. તેમના હૃદયના ધાવ એક જેવા જ હતાં . કદ વિવિધ, પણ ઊંડાઈ તો એટલી જ હતી.
મકાન પંચગીની ના ઠંડા પર્વતો પર વસેલું હતું .શહેરની અરાજકતાથી દૂર, સ્ત્રી અને પુરુષો એમના સંધ્યાકાળના દિવસો અહીં વિતાવતા . પરોઢ હોય કે સાંજ , વડીલો જીવનની કિનારીઓમાંથી મૃત્યુને નજીકથી જોતા હતા. જ્યારે તેમાંથી કોઈ એક જીવનના શિખરને ઓળંગીને સામે પાર જાય ત્યારે જ નવી વ્યક્તિને પ્રવેશ મળતો. નબળી દૃષ્ટિ અને નાજુક હૃદયને જાણે તાજેતર ના મૃત્યુ નાં દુઃખ સામે થોડું વળતર મળતું. ગતિ સામે ની નિષ્ક્રિયતા એ જાણે તેમના અસ્તિત્વ પર કબ્જો કર્યો હતો.
Comments
Post a Comment